સરકાર દ્વારા તા. ૨૧-૪-૨૦૧૬ના ઠરાવથી, આ તારીખથી અમલમાં આવે તે રીતે નીચેની સવલતો આપવાની જાહેરાત કરવામાં આવી છે. વિકલાંગોએ દર પાંચ વર્ષે વિકલાંગ ઓળખપત્ર રીન્યુ કરાવવું પડે છે તેમાં સુધારો કરીને તેમને હવે કાયમી ધોરણે વિકલાંગઓળખપત્ર આપવામાં આવશે. વિકલાંગ વ્યક્તિની આવકમર્યાદાની જોગવાઈ રદ કરવામાં આવી છે. વિકલાંગોને હાલ ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળે છે તેના બદલે ગુર્જરનગરી,ઈન્ટરસિટી, લક્ઝરી અને વોલ્વો બસ સહિત તમામ પ્રકારની બસોમાં મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે. ૪૦% કે તેથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને આ યોજનાનો લાભ મળશે તથા ૭૦થી ઓછાબુદ્ધિઆંકવાળી માનસિક પડકારિતા ધરાવતી વિકલાંગ વ્યક્તિને તથા તેના સહાયકને પણ વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળશે. હાલ અંધ કે મુક-બધિર વ્યક્તિના કિસ્સામાં ફક્ત ૧૦૦ ટકા અંધત્વ કે ૧૦૦ ટકા મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને જ યોજનાનો લાભ મળે છે, તેમાં સુધારો કરી હવે તીવ્ર વિકલાંગતા ધરાવતી એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ અંધત્વ કે ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે. ૮૦ ટકા કે તેથી વધુ દૃષ્ટિ વિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પોતાને વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ તેના સહાયકને લાભ મળવાપાત્ર રહેશે નહીં. ૭પ ટકાથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. જ્યારે તેના સહાયકને ટિકિટભાડામાં ૫૦ ટકા રાહત મળવાપાત્ર રહેશે. નવું ઓળખપત્ર ન મળે ત્યાં સુધી હાલના ઓળખપત્રો ઉપર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો અમલતા. ૨૧-૪-૨૦૧૬થી કરવામાં આવ્યો છે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા